ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં ચોરોનો આતંક : કુલ રૂપિયા ૬૭,૫૦૦ ના મત્તાની ચોરી

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના કંથરાવી ગામે નવાપુરાથી કંથરાવી જતાં રોડ ઉપર ભેહરૂવાળા આંટામાં આવેલ ખેતરની બોરની ઓરડીમાં મુકેલ એરંડાની બોરી નંગ ૧૨ કિંમત રૂપિયા ૪૯,૫૦૦ અને કેબલ વાયર કિંમત રૂપિયા ૮૦૦૦ તથા નજીકમાં આવેલ ચોસઠ જોગણી માતાજીના મંદિરમાંથી એમપ્લિફાયર અને માઇક કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૭,૫૦૦ ની ચોરી કરી લઈ જતાં ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિગતો અનુસાર ઊંઝા તાલુકાના કંથરાવી ગામનાં અને હાલ મહેસાણા ખાતે રહેતા પ્રકાશ સોમાભાઇ પટેલ નવાપુરા જતા રોડ પર ભેહરૂ વાળા આંટામાં ખેતર ધરાવે છે‌ જેઓએ એરંડાની બોરી નંગ ૨૦ બોરની ઓરડીમાં મૂકી હતી.

જેમાં ગઇ તા.૫ જુલાઈ ૨૦૨૪ થી તા.૬ જુલાઈ ૨૦૨૪ ના સવારના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે ૨૦ બોરીઓ પૈકી ૧૨ એરંડાની બોરી વજન ૯૦૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૪૯,૫૦૦ તેમજ કેબલ વાયર ઉઠાવી ગયા હતા. આ ઊપરાંત નજીકમાં આવેલ ચોસઠ જોગણી માતાજીના મંદિરમાં દરવાજાનો નકુચો તોડી તેમાંથી એમપ્લીફાયર અને માઇક નંગ અને હેલોજન ૩ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૭,૫૦૦ ની મત્તાની ચોરી કરી લઈ જતાં પ્રકાશભાઈએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.