
કડીના ખેરપુર સીમમાંથી અજાણ્યા યુવકની ઇજાઓ થયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી
કડી તાલુકાના ખેરપુર સીમમાં આશરે 35 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં નંદાસણ પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકને માથાના તેમજ અન્ય ભાગે ઇજાઓ જોવા મળી હતી. નંદાસણ પોલીસે યુવકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. યુવકના શરીર ઉપર નાના-મોટા ઈજાના નિશાનો જોવા મળતાં હત્યા છે કે અકસ્માત તેની આશંકા જોવા મળી રહી છે. પોલીસે રોડ ઉપર પડેલી લાશની આજુબાજુ ખેતરોમાં પણ શોધખોળ હાથ ધરી અને લાશનો કબજો મેળવી નંદાસણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી હતી.