
કડી શહેરના ઉમિયા માતાજીના મંદિર અને તેજેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી
કડી શહેરમાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં કડી શહેરના ભવપુરા વિસ્તારમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં તેમજ તેની જ સામે આવેલા તેજેશ્વર મહાદેવમાં તસ્કરો ત્રાટક્યાં હતા. મંદિરમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ ઘરેણા છત્તર સહિત રોકડ રકમ રફુ ચક્કર થઈ જતા ટ્રસ્ટીએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કડી શહેરમાં દિવસે ને દિવસે તસ્કરીની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર કડીના મધ્ય આવેલા બે મહાદેવ મંદિરોમાં ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ભાવપુરા વિસ્તારમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ ભાવપુરા વિસ્તારમાં આવેલા સરદાર સોસાયટીમાં રહે છે.
જે બુધવારે રાત્રિ દરમિયાન માતાજીના દર્શન કરીને દ્વાર બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. જ્યારે ગુરુવારે તેઓ મંદિરે આવ્યા હતા અને મંદિરના દ્વાર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જે બાદ તેઓએ પૂજારીને જગાડ્યા હતા. વહેલી સવારે ટ્રસ્ટીએ આવીને જોયું હતું. જે બાદ મંદિરમાં ગયા હતા અને માતાજીના ઉપર લગાવેલું 700 ગ્રામનું છત્તર ગુમ હતુ. તેમજ તિજોરી તૂટેલી હાલતમાં હતી. મંદિરમાં અન્ય તપાસ કરતા દાગીના તેમજ રોકડ રકમ અને ગેસના બાટલાની ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું. જે બાદ તેઓ મંદિરેના સામે આવેલા તેજેશ્વર મહાદેવ ખાતે પહોંચ્યા હતા.
સરદાર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ તેજેશ્વર મહાદેવમાં પહોંચતા ત્યાં પણ ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું. તેમજ મહાદેવના મંદિરેના દ્વાર તૂટેલી હાલતમાં હતા. મંદિરમાં રહેલી દાન પેટી પણ તૂટેલી હાલતમાં હતી. જે બાદ તેઓએ મહાદેવ મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી. જ્યાં બંને મંદિરોના ટ્રસ્ટીગણો કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને મહાદેવ મંદિરમાં રૂપિયા 41,700 રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું નિવેદન આપતા પોલીસે શુક્રવારે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.