
પાલાવાસણા સર્કલ રેલવેબ્રિજનું કામ 20 દિવસમાં પૂરું થઇ જશે, ચાલકોને પડતી મુશ્કેલીથી મુક્તિ મળશે
પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર અઢી વર્ષ અગાઉ રૂ.45 કરોડના ખર્ચે 700 મીટર લંબાઇ ધરાવતાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું. કામ શરૂ થતાં વરસાદ, રેલવેની મંજૂરીઓ, રેલવે લાઇન પર લગાવવાની ગડરો સમયસર ન મળતાં અને ડિઝાઇનમાં ફેરફારના કારણે ઓવરબ્રિજનું કામ લંબાયું હતું.
જોકે, તમામ મુશ્કેલીઓના અંતે હવે કામ પૂર્ણતાને આરે છે. હાલ બ્રિજની બંને બાજુના ઢાળ પર રોડ બનાવાયો છે. જ્યારે મધ્ય ભાગમાં સ્લેબનું કામ પૂરું થયું છે. આગામી 20 દિવસમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં સામાન્ય પ્રજા માટે ખૂલ્લો મુકાશે.
બીજી બાજુ, ઓવરબ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ થતાં વિરમગામ રેલવેલાઇન પરથી પસાર થતી 2 પેસેન્જર ટ્રેન અને 15 માલવાહક ટ્રેનના કારણે દિવસમાં 17 વખત ફાટક બંધ થવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીથી મુક્તિ મળશે. ઓવરબ્રિજ ફોરલેન હોઇ વાહનોની અવર-જવર સરળ રહેશે.