મહેસાણાના ચેહરનગરની મહિલાઓએ ગટરના મુદ્દે પાલિકામાં હોબાળો મચાવ્યો
મહેસાણા નગરપાલિકામાં શુક્રવારે જનરલ બોર્ડની બેઠક પહેલાં શહેરમાં આવેલી ચેહરનગરની મહિલાઓના ટોળાએ પાલિકામાં આવી ભૂગર્ભ ગટર ઉભરાવાના મુદ્દે હંગામો મચાવ્યો હતો. ત્યારે આ મામલે તપાસ હાથ ધરી ચેહર નગરમાં 80 ટકાથી વધુ ભૂગર્ભ ગટર કનેક્શનનો ગેરકાયદે હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે.
મહેસાણા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજના સમિતિના ચેરમેન અને નગર સેવક સંજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ સોસાયટીમાં અંદાજે 100થી વધુ પરિવારો રહે છે અને તેમના રહેણાંક મકાન આવેલા છે. આ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમ છતાં આ સોસાયટીમાં માત્ર 18 જ ભૂગર્ભ ગટર કનેક્શન કાયદેસરના હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.