
કડીમાં જૂથ અથડામણને થાળે પાડવા ગયેલી પોલીસ પર હુમલો, ગાડીઓના કાચ તોડી નાંખ્યા
ગુજરાતમાં હાલ પોલીસ અને અધિકારી પર હુમલો થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં માર્ચ મહિનામાં હિંમતનગરમાં એક IAS પર હુમલો થયો હતો. તે બાદ કોડીનારમાં પોલીસ વર્ષો જુના કુખ્યાત બૂટલેગર પર દરોડો પાડવા ગઈ હતી અને PI સહિત ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેવામાં આજે કડી તાલુકાના ફુલેત્રા ગામેથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફુલેત્રા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે બનાવને લઈ કડીની બાવલુ અને નંદાસણ પોલીસ ફુલેત્રા ગામે પહોંચી હતી. જ્યાં પોલીસ ગામની અંદર પહોંચતાની સાથે જ ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો તેમજ તીક્ષણ હથિયારો સાથે હુમલો કરી નાખ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.
પોલીસકર્મીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા
કડી તાલુકાના ફુલેત્રા ગામે ગુરુવારે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ કડી પોલીસ, નંદાસણ પોલીસ, તેમજ બાવલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અચાનક જ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો હતો અને ત્રણ પ્રાઇવેટ ગાડીઓને આગચંપી કરી હતી. તેમજ એક બાઈક અને પોલીસની બે ગાડીમાં પણ તોડફોડ કરી હતી. ટોળાએ તીક્ષણ હથિયાર તેમજ પથ્થરમારો કરતાં કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ઇજાઓ પહોંચી હતી. જેમને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા.
પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી
કડી તાલુકાના ફુલેત્રા ગામે બે જૂથ અથડામણને લઈને તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર અચાનક જ ટોળા દ્વારા હુમલો કરી દેવાયો હતો. પ્રાઇવેટ ગાડીઓને આગચંપી કરીને નુકસાની પહોંચાડી હતી. ઘટનાને લઇ મહેસાણા જિલ્લા પોલીસવડા અચળ ત્યાગી તેમજ ડીવાયએસપી સહિતન મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો ફુલેત્રા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કડી નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મહેસાણા જિલ્લા પોલીસ કાફલો ફુલેત્રા ગામમાં ખડકી દેવામાં આવ્યો
ફુલેત્રા ગામમાં બે જૂથ વચ્ચે નજવી બાબતમાં બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ મારામારીનું રૂપ ધારણ કરી લીધુ હતુ. જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જે ઘટનાને લઈ કડી, નંદાસણ અને બાવલુ પોલીસનો કાફલો મામલો થાળે પાડવા ગામની અંદર પહોંચ્યો હતો. જ્યાં અચાનક એક જૂથના ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘવાયો હતો. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગામની અંદર પહોંચ્યો હતો. તેમજ પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ફૂલેત્રા ગામની અંદર એકંદરે શાંતિનો માહોલ છે. તેમજ ગામમાં અને અણ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.