
નવું સિમકાર્ડ લેવાનું કહી ગુમ થયેલો મહેસાણાના માકણજનો કિશોર ગોરખપુરથી મળ્યો
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માકણજ ગામે રહેતો 15 વર્ષનો કિશોર પોતાના ઘરેથી નવું સિમ કાર્ડ લેવા જવાનું કહી નીકળ્યા બાદ એકાએક ગુમ થઈ ગયો હતો. બાદમા યુવક સાંજ સુધી પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનોએ સાંથલ પોલીસમાં અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં યુવકને મહેસાણાનો કોઈ અન્ય યુવક નોકરી માટે ગોરખપુર લઇ ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
માકણજ ખાતે રહેતો 15 વર્ષીય કિશોર 27 એપ્રિલના રોજ સવારે ઘરેથી નવું સીમકાર્ડ લેવા જાવ છું એમ કહી બહાર 100 રૂપિયા લઇ નીકળ્યો હતો. જે કિશોર મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવાર જનોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. તેમજ કિશોરની ક્યાંય ભાળ ન મળતા આખરે સાંથલ પોલીસમાં કિશોરના મોટા ભાઈએ અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.