
પતિએ પોતાની બહેન અને ભાણીને ખમણ ખાવાનું કહ્યું પણ પત્નીને ખાવાનો આગ્રહ ન કરતા પરિણીતાએ રિસાઈને ઘર છોડ્યું
રાજસ્થાનમાં રહેતી યુવતીની બહેનના દોઢ વર્ષ અગાઉ લગ્ન હોવાથી ગુજરાતથી જાન આવી હતી. જેમાં મહેસાણાનો યુવાન પણ જાનમાં આવ્યો હતો. આ દરિયાન યુવાન અને યુવતીની આંખ મળી જતા પ્રેમ પાગળ્યો હતો. બાદમાં બંને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો. જેમાં પરિવારના જણાવ્યાં પ્રમાણે એક દીકરી ગુજરાતમાં પરણાવી અને બીજી રાજસ્થાનમાં પોતાની સાથે રાખવી હોઈ પસંદગીના યુવક સાથે લગ્ન શક્ય નથી. આ સંજોગોમાં યુવતીએ પરિવારનો વિરોધ કરી પ્રેમી સાથે લગ્ન કરીને મહેસાણા રહેવા આવી હતી.
પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીના ઘરે જ યુવકની ભાણી અને બહેન સાથે રહેશે તેમ કહેતા જ તેઓ વચ્ચે શરૂઆતમાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા. યુવકની બહેનને રાખવાની યુવતીએ સાફ મનાઈ કરી હતી. જ્યારે પતિએ ભાણી અને બહેનને પોતાની સાથે જ રાખવા જીદ કરી હતી. બાદમાં પતિએ તેની બહેન અને ભાણીને ખમણ ખાવાનું કહ્યું જોકે, પત્નીને ખમણ ખાવાનો આગ્રહ ના કરતા યુવતી રિસાઈ ગઈ હતી અને યુવક સાથે નહીં રહેવાના નિર્ણય કરી ઘર છોડી મૂક્યું હતું. જોકે, 181 અભયમની મદદથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઈ જવાઈ હતી. તેનું કાઉન્સીલીગ કરાયું હતું. ત્યારબાદ કલાકોથી મથામણ છતાં યુવતીની એક જ જીદ હતી કે મારે પતિ સાથે રહેવું નથી.
નાનકડા બાળકને લઇને સખીવન સ્ટોપ સેન્ટરમાં રહેતી યુવતીએ જ્યારે તેનો પતિ મનાવવા આવ્યો ત્યારે શરૂઆતમા તેણે મળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જોકે, પતિની જીદ સામે તે એક વખત મળવા તૈયાર થઈ હતી. અહીં પતિએ એને માત્ર દશ મિનિટમાં સમજાવીને પ્રેમ પૂર્વક પોતાની સાથે આવી જવાનું કહેતા જ યુવતી તેની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી.