
રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ કેમ્પસ ખાતે સ્વ.પ્રા રમણિકભાઈ હાલારીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
વિસનગર રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ ખાતે સ્વ.પ્રા રમણિકભાઈ હાલારીની પૂણ્યતિથી નિમિત્તે પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રમણીકભાઇ હાલારી દિવ્યાંગ બાળકોની સંકલિત શિક્ષણ યોજનાના આજે રાજ્યમાં પ્રચલિત બની છે ત્યારે વિસનગરના કડા રોડ પર આવેલા અંધજન કલ્યાણ સંઘ કેમ્પસ ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.પ્રો.રમણીકભાઇ હાલારીએ શરૂ કરેલી દિવ્યાંગ બાળકોની સંકલિત શિક્ષણ યોજના આજે પ્રચલિત બની છે. આ યોજના માત્ર મહેસાણા જિલ્લામાં જ નહિ પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે લોકપ્રિય બની છે. જેના પૂરાવારૂપે 90થી 95 જેટલી સેવાકીય સંસ્થાઓ સંકલિત શિક્ષણ યોજનાનું સફળ સંચાલન કરી રહી છે. નેશનલ એસોશિયેશન ફોર બ્લાઇન્ડ સમગ્ર દેશમાં દીવાદાંડી રૂપ સેવાઓ આપી રહી છે.
આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રમણીકભાઇ હાલારી અનેક પ્રજ્ઞાચક્ષુઓ માટે પથદર્શક બન્યા હતા. રમણીકભાઇએ અનુભવેલુ પ્રજ્ઞાચક્ષુનું જીવન અનેક પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં નવીન બદલાવ લાવાવનું કામ કર્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ કે, સરકાર અનેકવિધ યોજનાઓ થકી દિવ્યાંગ બાળકોના વિકાસ માટે કાર્ય કરી રહી છે. સરકારની સાથે સમાજ અને સંસ્થાઓ દ્વારા દિવ્યાંગ-પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે થતું કાર્ય આજે પ્રેરણારૂપ બન્યું છે.સહકારમંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓ માટે શોધાયેલી બ્રેઇલ લીપીની શોધ બાદ આજે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટ થકી પ્રજ્ઞાચક્ષુઓને મદદ મળી રહી છે. ત્યારે ભૂતકાળામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે રમણીકભાઇ હાલારીએ તેમના જીવનકાળમાં અનેક કાર્યો કર્યા છે. જેના થકી આજે આ પ્રકારની અંધ કલ્યાણ સંસ્થાનો ઉદય થયો છે. પ્રજ્ઞાચક્ષુ અનેક લોકોના જીવન ઘડતર માટે શુ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પ્રો.રમણીકભાઇ હાલારી છે. રમણીકભાઇ હાલારીએ અનેક પ્રજ્ઞાચક્ષુઓને ઓળખ આપી તેમના જીવનમાં બદલાવ લાવવા માટેનું અનોખું કાર્ય કર્યુ છે.સ્વામી સચિદાનંદ મહારાજ સહિત અનેક અગ્રણીઓ દ્વારા રમણીકભાઇ હાલારીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.