સિધ્ધપુર ગુજરાત હાઉસિંગ સોસાયટીનો પાકો રસ્તો બનાવવા માટે પાલિકામાં રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય
ખાતમુહૂર્તને સાત મહિના થવા છતાં પાલિકા ઘોર નિદ્રામાં : સિધ્ધપુર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ૧૨૦ થી વધુ ઘરો વસવાટ કરી રહ્યા છે. આ સોસાયટીનો રસ્તો રેલ્વે પાટાની બાજુમાંથી પસાર થાય છે. આ રસ્તો કાચો હોવાથી તેને પાકો રસ્તો કરવા માટે આ રહીશોએ પાલિકા કચેરીએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. આ રજુઆતને છ માસ વીતી ગયા છતાં રોડ બન્યો નથી. એટલે આ રહીશોની અવર જવરની સમસ્યા યથાવત રહી છે.
સોસાયટીના રહીશો માટે આ માત્ર એક જ રસ્તો છે. આ વિસ્તાર વોર્ડ નંબર ૮ માં આવે છે. નવાઈની વાત તો એ છે કે, નગરપાલિકામાં પાલિકા પ્રમુખ પદે વોર્ડ નં.૮ અનિતાબેન પટેલ સત્તા ઉપર બિરાજમાન છે. તેમ છતાં પોતાના વોર્ડનો પ્રશ્ન હલ કરવામાં અસમર્થ રહ્યા છે. હાલ વરસાદી માહોલ હોવાથી રસ્તો કાદવ કીચડમાં ફેરવાઈ ગયો છે. જેમાં બાળકો તથા વૃદ્ધોને આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જ્યારે દ્વિચક્રી વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સિધ્ધપુર પાલિકા દ્વારા આ રોડના ખાતમુહૂર્તને છ થી સાત મહિનાનો સમય વીતી ગયો છે હોવા છતાં હજુ સુધી રોડ માત્ર કાગળ ઉપર જ રહેવા પામ્યો છે.
આ સોસાયટીના રહીશોમાં પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જાણે પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું રહીશોમાં બોલાઈ રહ્યું છે. તો સત્વરે પાલિકા તંત્ર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના આ રસ્તાની સમસ્યાને ઉકેલ લાવે તેવી રહીશોની લાગણી અને માંગણી છે.