
કડી પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રોકત વિધિવત PIની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
કડી પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમીના પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવી પોલીસકર્મીઓ તેમજ અધિકારીઓની હાજરીમાં શાસ્ત્રોકત વિધિવત પૂજન અર્ચન આરતી કરીને શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.કડી પોલીસ સ્ટેશન અને સત્યકામ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર પૂજનનું આયોજન કડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પર્વને અનુલક્ષીને પ્રતિ વર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી. કડી પોલીસ સ્ટેશનના PI જે.પી સોલંકી તેમજ PSI રાજેન્દ્ર પાટીલની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવતા પોલીસ અધિકારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. મા શક્તિ સત્યને હંમેશા સર્વોપરી રાખવા પોલીસ દળને આશીર્વાદ આપે અને આ શાસ્ત્રો સમાજમાં ન્યાય, વ્યવસ્થા અને શાંતિ કાયમ કરવા માટે માધ્યમ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્ય કામ સમિતિ કડીના કાર્યકર્તાઓ, આગેવાનો, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.