સિધ્ધપુર કાકોશી રેલ્વે ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં : ઠેરઠેર ખાડાઓ
વિધાર્થીઓના આરોગ્ય સામે ખતરો : જવાબદાર કોણ ?
સિધ્ધપુર કાકોશી રેલ્વે ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. વરસાદને કારણે કાદવ કીચડ થવા પામ્યો છે. બુહરાની અને એડનવાલા સ્કુલના બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબુર બન્યા છે. એટલે કે ભારતનું ભવિષ્ય કાદવમાં ચાલવા મજબૂર બન્યું છે. સિધ્ધપુર ખાતે આવેલ તાહેરપુરા એડનવાલા સ્કૂલ પાસે તથા ઓવરબ્રિજના નીચે વરસાદના પાણી ભરાવાથી કીચ્ચડ થાય છે.
ભંગાર રસ્તાઓને કારણે વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ રોડ પર અવર જવર કરનાર ચાલકો મજબૂર હોવાથી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ કાદવમાં ચાલવા મજબૂર છે. આ બાળકોને ચાંદીપુરા રોગનો ભય સતાવી રહ્યો છે. વિધાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ડીસ્કો રોડના ખાડા પુરવામાં કોણ જાણે કેમ નગરપાલિકા લાપરવાહી દાખવી રહી છે. પાલિકા કોઈ અનિચ્છનિય ઘટના બને તેની રાહ જોઈને બેઠી છે.
પુલ નીચેના રહેણાંક વિસ્તારના લોકો આ ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વાહન ચાલકોની હાલત કફોડી બની છે. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતાં મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. એક બાજુ ચાંદીપુરા રોગે કહેર મચાવ્યો છે. જેના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે નગરપાલિકા આ રોગને ખુલ્લેઆમ નિમંત્રણ આપી રહી છે. વિધાર્થીઓને કંઈ થાય તો જવાબદાર કોણ રહેશે જેવા અનેક સવાલો ઉભા થયા છે. તો આ સમસ્યાનું પાલિકા તંત્ર દ્વારા સત્વરે નિકાલ લાવે તેવી વાહન ચાલકો અને વિધાર્થીઓના વાલીઓની લાગણી અને માંગણી છે.