ઊંઝા હાઇવે પર ઓવરબ્રિજ પાસે પાર્ક કરેલ બે મોટરસાઇકલની ઉઠાંતરી
ઊંઝા હાઇવે પર ઓવરબ્રિજ પાસે પાર્ક કરેલ તેમજ હાઇવે પર ગણેશ ઓઇલ મિલની દિવાલની અંદરની બાજુએ પાર્ક કરેલ મોટરસાઇકલની દિન દહાડે કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિગતો અનુસાર ઊંઝા શહેરમાં આવેલ ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિન રણછોડભાઈ પટેલ હાઇવે પર જાનકી ઓટો મોબાઇલ નામનો શો રૂમ ધરાવે છે. જેઓએ સવારે પોતાનુ મોટરસાયકલ કાળા સિલ્વર કલરનું હીરોનું હાઇવે પર અંડરબ્રિજ નીચે પાર્ક કર્યુ હતું .
જે મોટરસાયકલ કિંમત રૂપિયા ૫૫,૦૦૦ નું કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અન્ય બનાવમાં સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામના વિપુલ અમરતજી રાજપુત નિરમા મહેસાણા ખાતે કંપનીમાં ફરજ બજાવે છે જેઓ પોતાનુ મોટરસાયકલ કાળા કલરનું વાદળી પટ્ટાનું કિંમત રૂપિયા ૫૬,૦૦૦ ઊંઝા હાઇવે ગણેશ ઓઇલ મિલની દિવાલની બાજુમાં પાર્ક કર્યુ હતું. સાંજે નોકરીએથી પરત આવતા મોટરસાયકલના મળતાં શોધખોળ કરી હતી. જેથી ઊંઝા પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.