
આજથી સ્થાવર મિલકતના ભાવમાં તોતિંગ વધારો : જંત્રીના ભાવો ડબલ
(રખેવાળ ન્યૂઝ)ઉઝા , મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે. જેને નાથવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. ઘરવપરાશની ચીજવસ્તુઓમાં રોજેરોજ ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. પ્રજાની આ સમસ્યાને સરકાર મૌન બની નજર અંદાજ કરી કરી રહી છે એમ કહીએ તો નવાઈ નહીં. તાજેતરમાં દુધના ભાવમાં વધારો ઝીંકાયો હતો. આ કારમી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ગુજરાતની ડબલ એન્જિન સરકાર દ્વારા હવેથી જંત્રીના ભાવમાં ડબલ વધારે ઝીંકવામાં આવ્યો છે. આ બેગણા ભાવ વધારાથી જનતાની કમર તોડી નાખી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૨ ક ના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો, સ્થાવર મિલકતોના જંત્રી ભાવો ૨૦૧૧ થી અમલમાં છે. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જંત્રીના ભાવો આજથી ડબલ કરી દેવાયા છે. રાજ્યમાં થતાં ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.
રાજ્યમાં હાલ તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ ) ના દરો તા.૦૫/૦૨/૨૦૨૩ થી અમલમાં આવે તે રીતે બે ગણા કરવામાં આવ્યા છે. ૨૦૧૧ માં પ્રતિ ચોરસ મીટર નો દર ૧૦૦ રૂપિયા હતો તે ૨૦૨૩ માં ૨૦૦ રૂપિયા ગણાશે. એટલે કે જંત્રીના ભાવો બમણા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ૧૫૬ ઈંચની છાતી ધરાવતી અને ડબલ એન્જિન સરકાર દ્વારા કરાયેલા જંત્રીના તોતિંગ વધારાથી પ્રજામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોની કમર તોડી નાખી છે તેવું આમજનતામાં બોલાઈ રહ્યું છે.