
વિસનગર નગરપાલિકામાં પ્રમુખ ઉત્તમ પટેલ અને ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરે વિધિવત ચાર્જ સંભાળ્યો
વિસનગર નગરપાલિકામાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ઉત્તમ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વિષ્ણુજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખનો વિધિવત ચાર્જ આજે સંભાળી લીધો છે. શહેરના અનેક વિકાસના કામો કરવાની પ્રમુખે ખાતરી આપી છે. ત્યારે પાલિકાના સભ્યો હાજર રહી વિકાસના કામો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિસનગર પાલિકાના સભાખંડ ખાતે ખેરાલુ પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકેનો મેન્ડેડ વોર્ડ નં. 1ના ઉત્તમ પટેલને અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. 4ના વિષ્ણુજી ઠાકોરને આપવામાં આવતાં પાલિકાને બંન્ને નવ યુવાન પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વોર્ડ નં.5ના નગરસેવક પીનાબેન શાહને તેમજ શાસકપક્ષના નેતા તરીકે જયેશ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આજે સોમવારે પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલે પ્રમુખનો વિધિવત ચાર્જ નવા પ્રમુખ ઉત્તમ પટેલને સોંપ્યો હતો. જેમાં પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ તેમજ શાસકપક્ષના નેતા જયેશ પંડ્યાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. તમામ નગરસેવકો દ્વારા વિકાસના કામો કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, મારા ઉપર અને મારી ટીમ પર વિશ્વાસ મૂકીને જે પદ આપ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છું. આગલા અઢી વર્ષમાં દરેક નાગરિકને સારામાં સારી સેવા આપી શકીએ અને અમારાથી બનતા બધા જ પ્રયત્નો ઝડપીમાં ઝડપી નિરાકરણ આવે એવું અમારું સૌથી પહેલું કાર્ય રહેશે.