
વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના તેમજ શિવ દર્શનનું આયોજન કરાયું
સામાન્ય રીતે લોકોના મનમાં કાળી ચૌદસ માટે ઘર કરી ગયેલ જૂની અંધશ્રદ્ધા અને ભયને ભગાડવા માટે વિસનગર અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા વિસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે ગત દિવાળીથી આ દિવાળી સુધી 656 જેટલા મૃતકોનો અગ્નિસંસ્કાર થયેલ છે. આ તમામ મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થનાનું તેમજ દેવાધિદેવ મહાદેવ શિવ દર્શન સાથે સાથે શિવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મશાન ગૃહમાં રોશની અને આતશબાજી કરવામાં આવી હતી તથા અનેક જાતની સુશોભિત લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાતાઓના સૌજન્યથી મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં નિહાળવા માટે વિસનગર શહેર સહિત આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ખાસ લોકો મનમાં ઘર કરી ગયેલ સ્મશાન માટેનો ડર, કાળી ચૌદસની અંધશ્રદ્ધાને સમાજમાંથી દૂર કરવા માટે આ સંસ્થા દ્વારા એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીંનો માહોલ એક ઉત્સવ જેવો અને મેળા જેવો જોવા મળ્યો હતો. લોકોએ એમાં ખાસ મહિલાઓએ અંતિમ વિધિ માટેની ક્રિયા વિધિની જાણકારી મેળવી હતી. આ સ્મશાન ગૃહમાં મોક્ષ કુટીર ઉપરાંત હીંચકા તેમજ સુંદર બગીચાનો પણ લોકોએ આનંદ મેળવ્યો હતો. જેમાં કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. વિસનગર શહેરના અગ્રણીઓ ઉપરાંત પ્રતિષ્ઠિત નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલાઓ વિશેષ પ્રમાણમાં હાજર રહી દર્શન તેમજ પ્રાથનાનો લાભ મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજા અર્ચન કરી શાંતી પ્રાર્થનામાં પણ જોડાયા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિસનગર શહેરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ તેમજ સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ એ માત્ર સ્મશાન ગૃહ નથી, પરંતુ એક પર્યટક સ્થળ બની ગયું છે. અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ કે.પટેલ આર.કે.ના નેતૃત્વ નીચે સમગ્ર સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક સ્મશાન ગૃહને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી છે. એમ જણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.