
વિસનગર જનરલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ કેન્દ્રનું ઉદઘાટન કરાયું
વિસનગરમાં જનરલ હોસ્પિટલ તથા રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાંચના સૌજન્યથી સિવિલ કેમ્પસ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઋષિકેશ પટેલના વરદ હસ્તે પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સસ્તાદરે વિસનગર શહેર સહિત તાલુકાના લોકોને દવા મળી રહે તે માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ કેન્દ્રનું ઉદઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી.સ્વસ્થ ભારત સશકત ભારત અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ જન ઔષધિ કેન્દ્રો પર મળતી દવાઓ મધ્યમ પરિવાર માટે આશીર્વાદ રૂપ નીવડી રહી છે. ખાસ કરીને જન ઔષધિ કેન્દ્ર પર મળતી દવાઓ બ્રાન્ડેડ દવા કરતા ઘણી સસ્તી મળે છે. વળી અત્યારે વધારે પ્રમાણમાં ડાયાબીટીસ, બીપી જેવી બીમારીઓ વધી છે. એ માટે નિયમિત દવા લેવી પડે એવા દર્દીઓ માટે આ દવાઓ સસ્તી સાબિત થઈ રહી છે. ત્યારે વિસનગરના લોકોને પણ આ સેવાનો લાભ મળી રહી તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ કેન્દ્રનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીજીના જન્મદિવસે સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લોકોને સસ્તા દરે દવા મળી રહે એ માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. રેડ ક્રોસ દ્વારા આજે 73 જેટલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. જેમાં આજે વિસનગર ખાતે પણ આ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. સરકાર આગામી સમયમાં આવા વધુને વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવા અને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્નશિલ છે.આ પ્રસંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ કાપડિયા, વિસનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પારૂલબેન પટેલ, આર.એમ. ઓ ડૉ . સુરેશભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ, વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, વિસનગર તાલુકાના પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, વિસનગર શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, ભરત પટેલ, સંઘના ચેરમેન મુકેશ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો તેમજ વિસનગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.