ઊંઝા ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ; મહિનામાં ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ
ઊંઝા નવું રામપરું દુધલી દેશ ખાતે રહેતા ઈસમે મૂળ ઊંઝાના અને હાલ મહેસાણા ખાતે રહેતા ઈસમને મિત્રતાના સબંધો હોઈ હાથ ઉછીના રૂપિયા ૨,૫૦,૦૦૦ આપ્યા હતા. જે પરત માંગતાં ચેક આપતાં રીટર્ન થતાં ઊંઝાની એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં વકીલ પી.ડી.બ્રહ્મભટ્ટ અને એમ.એમ.બારોટની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટના ન્યાયધીશ દ્રારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઊંઝા નવુરામપરું દુધલી દેશ ખાતે રહેતા પટેલ હસમુખભાઈ ગોવિંદભાઈએ તેમના મિત્ર પટેલ ભરતભાઈ કાન્તિલાલ મૂળ રહે.ઊંઝા હાલ રહે.ગ્રીન પાર્ક સોસાયટી મહેસાણાને રૂપિયા ૨,૫૦,૦૦૦ ચાર માસના વાયદે હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ હસમુખભાઈએ પૈસા માંગતાં ચેક મહેસાણા અર્બન બેંકનો આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ ઉંઝા નાગરિક સહકારી બેંકમાં ભરતાં તે પરત ફર્યો હતો. જેથી પટેલ ભરતભાઈ કાન્તિલાલની વિરુદ્ધમાં ઊંઝા કોર્ટમાં કેસ દાખલ કરવામા આવ્યો હતો.
જે કેસ ઊંઝાના નામદાર એડી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.આર.ગોહેલની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપી પટેલ ભરતભાઈ કાન્તિલાલને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. અને જો હુકમથી એક માસની અંદર વળતરની રકમ ચૂકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધું છ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.