
મહેસાણાનું સરદાર પટેલ સ્ટેડિયમ નાઈટ ક્રિકેટ મેચ રમવા માટે સજ્જ
મહેસાણા નગરપાલિકા દ્વારા એક વર્ષ અગાઉ 11 કરોડના ખર્ચે નિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું હતું. જેના લોકાર્પણના એક વર્ષ થયાં બાદ 4 હાઈ માસ્ટ લાઈટના ટાવર લાગી જતા હવે નાઈટ ટુર્નામેન્ટ, ક્રિકેટ મેચ માટે આ સ્ટેડિયમ સજ્જ બન્યું છે.
મહેસાણા નગરપાલિકાએ 11 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને વિશાળ અદ્યતન સ્ટેડિયમ મહેસાણા ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું લાઈટીંગ કામ બાકી હોવા છતાં સત્તાધીશોએ ઉતાવળે ગ્રાઉન્ડનું લોકાર્પણ કરી ટોકન દરે ગ્રાઉન્ડ આપવા નિર્ણય કર્યો હતો. જેણે 1 વર્ષ થવા છતાં 11 કરોડના ખર્ચ સામે પાલિકાને માત્ર સાડા ત્રણ લાખ જેટલી જ આવક થઈ હતી. જ્યારે સ્ટેડિયમમાં લાઈટીંગની વ્યવસ્થા ન હોવાને કારણે નાઈટ મેચ કે ટુર્નામેન્ટ ન રમાતા પાલિકાએ નક્કી કરેલા એજન્સીએ પણ એગ્રીમેન્ટ કરવાનું ટાળ્યું હતું જેને લઈ પાલિકાને 6 મહિનાથી એજન્સી દ્વારા થતી 13 લાખ જેટલી આવક ગુમાવવી પડી હતી. જોકે હવે પાલિકાએ સ્ટેડિયમમાં 700 લક્ષના પ્રકાશ આપે તેવા ચાર હાઈ માસ્ટ લાઈટના ટાવર ચાલુ કર્યા છે. જેથી સ્ટેડિયમ હવે નાઈટ ટુર્નામેન્ટ કે મેચ માટે તૈયાર થઈ જતા હવે સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું હતું.