મહેસાણા એલસીબીની ટીમે બે ગાડીઓ દારૂ મળી કુલ 10.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
મહેસાણા એલસીબીની ટીમ દ્વારા બાતમી આધારે કડી તાલુકામાં આવેલા વિડજ ગામ નજીકથી બે ગાડીઓમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બે ગાડીઓ અને દારૂ મળી કુલ 10.66 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા એલસીબી સ્ટાફના માણસો કડી પંથકમાં પેટ્રોલીગમાં હતા. એ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, કડી તાલુકામાં આવેલા વિડજ ગામ નજીક હવેલી વાસના નેળિયામા એક ઇનોવા અને એક આઈ20 ગાડીમાં વિદેશી દારૂ ભરેલો છે. જે બાતમી આધારે એલસીબી ટીમે દરોડા પાડી બે ગાડીઓ ઝડપી પાડી હતી.
તપાસ દરમિયાન બંને ગાડીઓમાંથી 4 લાખ 11 હજાર 240નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ 2 મોબાઈલ કિંમત 55 હજારના કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન વાઘેલા પૃથ્વીરાજ સિંહ, ઝાલા હિંમતસિંહ ઉર્ફ હેમતુંભા, ઠાકોર શિવાજી અમરતજીને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા ઈસમો રાજસ્થાનના બાટ ઠેકા પરથી વિદેશી દારૂ ભરી લાવ્યા હતા. આ દારૂ કટોસણના ઝાલા પ્રકાશસિંહ એ મંગાવ્યો હતો. સમગ્ર કેસમાં પોલીસે પાંચ વિરુદ્ધ કડી પોલીસમાં ગુનો નોંધી કુલ 10.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.