
મહેસાણા જિલ્લામાં સાંજે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતમાં લાંબા સમયગાળા બાદ ફરી વરસાદનું આગમન થયુ છે. બે દિવસ સતત ઉકળાટ મારતી ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા આજે મહેસાણા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે મેઘ વરસ્યો હતો. ત્યારે વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મહેસાણા, ઊંઝા, વિસનગર, વડનગર સહિતના પંથકમાં બપોરબાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર, વિસનગર, મહેસાણાના વિસ્તારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ત્યારે ઊંઝા શહેરમા આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હજુ પણ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ત છે.