
ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં શહીદવીર ઝાલા જવાનસિંહના સ્મારકનુ અનાવરણ કરવામાં આવ્યું
ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં આજરોજ શહીદવીર ઝાલા જવાનસિંહના સ્મારકનો અનાવરણ કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આગેવાનોએ હાજર રહ્યા હતા.શહીદવીર જવાનસિંહ ઝાલાનો જન્મ 1942માં થયો હતો. તેઓએ ધોરણ સાતની પરીક્ષા પાસ કરી હતી. તેઓએ શિક્ષકની નોકરી કચ્છના લખપત તાલુકાના બરંદા ગામમાં શરૂ કરી હતી. પરંતુ શહીદવીર જવાનસિંહની પોતાની ઇચ્છા આર્મીમાં જોડાઈને દેશસેવા કરવાની હતી.તેથી તેઓએ ફક્ત ત્રણ મહિના શિક્ષકની નોકરી કરી રાજીનામુ આપ્યું હતું. નોકરી છોડીને કચ્છમાં જ આર્મીમાં ભરતી થઈ ગયા હતા અને આર્મીની ટ્રેનિંગ પુરી કરી હતી. આર્મીમાં તેઓને નવ રાજપુતાના રેજિમેન્ટમાં પોસ્ટિંગ મળ્યું હતું. વર્ષ 1961/62માં ભારત અને ચાઈના વચ્ચે યુદ્ધ થયુ હતું એ દરમ્યાન પણ ફરજ નિભાવી હતી.
ત્યાર બાદ વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું એમાં પણ ફરજ નિભાવી હતી. તેના પછી વર્ષ 1971માં ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ ત્યારે શહીદવીર ઝાલા જવાનસિંહ પાકિસ્તાનના સામ્બ વિસ્તારમાં સીઝ પાર કરી પહોંચી ગયા હતા. જેમાં પાકિસ્તાનીઓ સાથે લડતા લડતા તારીખ 15 ડિસેમ્બર 1971ના દિવસે ઝાલા જવાનસિંહ શહીદ થયા હતા. ઝાલા જવાનસિંહ શહીદ થવાથી તેમના પરિવાર ઉપર મોટી આફત આવી પડી હતી. તેમજ તેમના માતુશ્રી કંકુબા અને તેમના બે નાના ભાઈઓ તેમજ પરિવાજનોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના લોકોએ તેમજ કુટુંબીજનો અને સરપંચ ઝાલા પૃથ્વીસિંહ દ્વારા શહીદવીર ઝાલા જવાનસિંહનુ ગામ વચ્ચે સ્મારક બનાવીને આજરોજ સ્મારકનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો. બ્રાહ્મણવાડાના સરપંચ પૃથ્વીસિંહ તેમજ ગ્રામજનો અને કુટુંબીજનોએ જણાવ્યું હતું કે, ગામમાં આ સ્મારક બનાવીને આપણે શહીદવીર જવાનસિંહ ઝાલાના ભારત દેશ માટે આપેલુ બલિદાન હંમેશા યાદ રાખીશુ.તેમજ શહીદવીર જવાનસિંહે આપેલા બલિદાનનુ ઋણ ચૂકવી શકાય તેમ તો નથી, પરંતુ આપણે થોડું ઘણું ઋણ ચૂકવી આપણી ફરજ અદા કરીએ એ જ તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ સ્મારક જોઈને આપણા યુવાનો અને બાળકોના મનમાં દેશ સેવા કરવા માટે સારા વિચારો આવે અને તેમને જીવનમાં ઘણું બધું શીખવાનું મળે તેમજ શહીદવીર ઝાલા જવાનસિંહે આપેલા બલિદાનો હંમેશા યાદ રહે એ હેતુસર ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ વચ્ચે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આવેલા મહેમાનો એ જણાવ્યું હતું કે, ઝાલા જવાનસિંહે દેશની રક્ષા માટે આપેલુ બલિદાન હંમેશા યાદગાર રહશે. શહીદવીર ઝાલા જવાનસિંહની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કે.કે.પટેલ, ઊંઝા APMC ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા તાલુકા સદસ્ય ભાવનાબેન, ગામના સરપંચ ઝાલા પૃથ્વીસિંહ, કોંગ્રેસ પ્રમુખ જી.પી.ઝાલા, એડવોકેટ રમણજી ઠાકોર તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું.બ્રાહ્મણવાડા ગામમાં પ્રતિમા અનાવરણ કાર્યક્રમનુ આયોજન ઝાલા પૃથ્વીસિંહ સરપંચ, માજી સરપંચ અમરતજી, ઝાલા કિશનસિંહ તથા ઝાલા સત્યસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.