
કડીના ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ દ્વારા 1800 શ્રમિક અને જરૂરિયાત મંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું
દિવાળીના તહેવારે શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારો ઉમંગભેર ઉજવણી કરી શકે તે માટે જુદી સ્વૈચ્છિક સંસ્થા અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા કપડાં મીઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ધનતેરસના દિવસે કડીના ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમિક તેમજ જરૂરિયાતમંદ 1200 જેટલા પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.દિવાળીનો તહેવારએ ખુશીઓનો તહેવાર છે, રોશનીઓનો તહેવાર છે. ત્યારે કડીમાં શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારો પણ આ પર્વને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા કડીના કમળ સર્કલ સામે 1200થી વધુ પરિવારોને મીઠાઈ તેમજ ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ કડી દ્વારા અનેક વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાં પણ સેવાઓ આપી ચૂકી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને લગતી એજ્યુકેશન સહિતની જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.
ધનતેરસના દિવસે ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કમળ સર્કલ સામે કરવામાં આવ્યું હતું. તેમજ કાળી ચૌદસના દિવસે 1000 જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા બે દિવસમાં 2200 જરૂરિયાતમંદ પરિવારોને 11,00,000ની મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન દિલીપભાઈ શેઠ, પ્રમુખ જગદીશભાઈ પટેલ, મંત્રી બળદેવગીરી ગૌસ્વામી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા