વિસનગરના વાલમ ગામે પૈસાની ઉઘરાણી બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી, સામ સામ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
વિસનગર તાલુકાના વાલમ ગામે પૈસાની ઉઘરાણી બાબતે બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં તલવાર તેમજ ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાઓ પહોંચાડતા બન્ને પક્ષના 5 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને પક્ષોએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાલમ ગામે રોહિતવાસમાં રહેતા પંકજ ગણપતભાઈ પરમારે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત 24 જૂનના રોજ રાત્રે મમ્મી, કાકા તેમજ પરિવારના સભ્યો ઘરે હાજર હતા. તે દરમિયાન ગામના મહોલ્લામાં રહેતા પરમાર ધ્રુવ મધુસુધનભાઈ, પરમાર મધુસુધન કાંતિભાઈ, પરમાર મીનાબેન મધુસુધનભાઇ તેમજ પરમાર ધરતી મધૂસુધનભાઈ આવી બૂમાબૂમ કરી કહેવા લાગ્યા કે તુષાર ક્યાં છે અને કેમ અમે આપેલા પૈસા આપતો નથી, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
જેથી પંકજભાઈએ ઘરની બહાર આવી અપશબ્દો બોલવાની ના પાડતા ધ્રુવ હાથમાં તલવાર લઈ આંખના ભ્રમરની ઉપર માથાના ભાગે મારી હતી. જેમાં મમ્મી અને કાકા વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ ગડદાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યાં ઇજાઓ પહોંચતા પંકજ તેમના મમ્મી અને કાકાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે આ બનાવ અંગે પંકજે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પરમાર ધ્રુવ, પરમાર મધૂસુધન, પરમાર મીનાબેન તેમજ પરમાર ધરતી વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.