
ઊંઝામાં જીરુંની લે-વેચમાં છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ
ઊંઝા એટલે એશિયાનું મોટામાં મોટું ગંજબજાર. જ્યાંથી આખા દેશમાં અને વિદેશમાં જીરું નિકાસ થાય છે. મોટા મોટા વેપારીઓ પોતાની પ્રોડક્ટ બનાવીને દરેક શહેરમાં જીરું અને અન્ય ખાદ્ય ચીજોની નિકાસ કરે છે.
ઊંઝાના વેપારી ટિંકલ પટેલ મણીધર ટ્રેડર્સ નામની પેઢી ચલાવી રહ્યા છે. જેમાં જીરું અને વરિયાળી માલના કમિશન એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. જેમાં એકાદ વર્ષ અગાઉ એપ્રિલ 2022માં રતલામ મધ્યપ્રદેશના વેપારી ફુલચંદ રૂપચંદનાઓએ છેતરપિંડી કરતા કહ્યું કે, અમારી ઓળખાણ મોટા મોટા વેપારીઓ સાથે છે અને અમે બીજા વેપારીઓ સાથે માલનો લે-વેચનો ધંધો કરીયે છીએ. તો તમે પણ મારી સાથે માલનો લે-વેચનો ધંધો કરો.
એમ કરીને ઊંઝાના વેપારી ટિંકલ સાથે વિશ્વાસ કેળવીને એમની પેઢીમાંથી માલ લીધો હતો. જેમાં 05/07/2022ના રોજ પહેલી વાર જીરાની 170 બેગ જેનો વજન 51 કવીન્ટલ થાય છે અને એક કિલોનો ભાવ 218 રૂપિયા ભાવ થાય છે. જેમાં કુલ મળી 5100 કિલોગ્રામનો ભાવ જીએસટી સહિત કુલ 11,67,590 રૂપિયા થાય છે. તેમજ 22/07/2022ના રોજ જીરાની બેગ નંગ 270 જેનું વજન 8100 કિલોગ્રામ જેટલું થાય છે. જે કિલોનો ભાવ 238 રૂપિયા જેટલો થાય છે. જે કુલ મળી જીએસટી સહિત રૂપિયા 20,24,190 થાય છે.