
કડીના કમળ સર્કલ સામે પંડાલમાં ગણેશજીને 125 કિલો લાડુનો અન્નકૂટ ધરાવ્યો
કડી શહેરના થોળ રોડ ઉપર આવેલા કમળ સર્કલની સામે આવેલા નગરપાલિકાના મેદાન ખાતે 10 દિવય ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. સમગ્ર આયોજન ગણેશ યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલ છે. જેમાં બુધવારે ભગવાન ગણેશજીને 125 કિલો લાડુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જ્યાં મોટા પ્રમાણમાં માનવ મેરામણ દર્શન કરવા પડ્યું હતું.કડી શહેરના ગણેશ યુવક મંડળ દ્વારા સતત 16 વર્ષથી નગરપાલિકાના મેદાન ખાતે ગણેશ મહોત્સોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17મા ગણેશ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના વાજતે ગજાતે કરવામાં આવી હતી. તેમજ દસે દસ દિવસ અલગ અલગ રાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમેડી નાટક, મ્યુઝિક નાઈટ સંતવાણી ટેલેન્ટ ઓફ કડી હાસ્ય દરબાર જેવા અનેક ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે રાત્રિ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી. તેમજ ભગવાન ગણેશજીને 125 કિલોના લાડુનો ભવ્ય અનકૂટ ધરાવવામાં આવ્યો હતો.
કડી શહેરના કમળ સર્કલ સામે આવેલ નગરપાલિકાના મેદાન ખાતે પંડાલમાં 125 કિલોના લાડુનો અન્નકૂટ ભગવાન ગણેશજીને ધરાવવામાં આવ્યો હતો. જ્યાં મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તેમજ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 10:30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું પંડાલમાં આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે અને કડીના થોળ રોડ ઉપર આવેલ સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલ તળાવમાં વાજતે ગજાતે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.