ઊંઝા તાલુકાના વિશોળ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર રજુઆત છતાં પરિસ્થિતિ જૈસે થે
વિશોળ ગામે આશરે ૩૫૦ મીટર લંબાઈની વરસાદી કેનાલ બનાવવા ગ્રામજનોની માગ
રાત્રે ગામ સંપર્ક વિહોણું થાય તેવી પરિસ્થિતિ
ઊંઝા તાલુકાના વિશોળ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે બ્રાહ્મણવાડા- વરવાડા-વિશોળ-ચંદ્રાવતી રોડની નીચે વરસાદી પાણીના નીકાલ માટે કેનાલ બનાવવા બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે રહેવા પામી છે. વિશોળ ગામે ચોમાસા દરમ્યાન બ્રાહ્મણવાડા, વરવાડા ગામનું વરસાદી પાણી વિશોળ ગામમાં આવે છે.
આ વરસાદી પાણી બ્રાહ્મણવાડા, વરવાડા, વિશોળ, ચંદ્રાવતી રોડની ઉપરથી પસાર થાય છે અને ચોમાસામાં પાણી વિશોળ ગામમાં બે દિવસ સુધી ભરાઈ રહે છે. જેથી ગ્રામ્યજનોની અવર-જવર બંધ થઈ જાય છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો આ રોડની નીચે વિશોળ ગામે આશરે ૩૫૦ મીટર લંબાઈની વરસાદી કેનાલ બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે.
ઉઝા તાલુકાનું વિશોળ ગામ ભારે વરસાદને બેટમાં ફેરવાઈ ગયું છે. લોકો બાનમાં પુરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગ્રામજનો પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે. વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વધુ વરસાદ આવે તો રાત્રિના સમયે વિશોળ ગામ સંપર્ક વિહોણું થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ગામના ચોકમાં ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. અને તેની બાજુમાં દુધની ડેરી આવેલી છે. જ્યાં મહિલાઓ સાજના સમયે દુધ ભરાવા આવે છે. જેથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીમાં ઝેરી જીવજંતુઓ અને સાપ હોવાની બીકથી લોકો ભય તળે પાણીમાં ચાલી રહ્યા છે.