
સતલાસણમાં “ટીમબા બસ કેમ ઉભી ના રાખી” કહીં બે યુવકોએ ડ્રાઇવર-કંડકટર સાથે માથાકૂટ કરી
મહેસાણાના સતલાસણા નજીક અંબાજી જતી બસમાં બેસેલા બે યુવકોને સ્ટોપેજ પર ઉતરવા બાબતે સરકારી બસના ડ્રાઈવર અને કંડકટર સાથે માથાકૂટ થઈ હતી. જેથી બન્ને યુવકોએ નીચે ઉતરી પથ્થર વડે બસનો કાચ ફોડી નાખ્યો હતો. આ સમગ્ર મામલે અજાણ્યા બે યુવકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
પાદરાથી અંબાજી જઇ રહેલી GJ18z5881 નંબરની સરકારી બસ ગાંધીનગર થઈને અંબાજી આવતી હતી. એ દરમિયાન અલગ અલગ સ્થળેથી બેસેલા મુસાફરોમાંથી બે અજાણ્યાં મુસાફરોએ ટીમબા ઊતરવાની ટિકિટ કંડકટર જોડે માંગી હતી. જોકે, કંડકટર ટીમબા સ્ટોપેજ ના હોવાને કારણે સતલાસણાના વાવની ટિકિટ આપી હતી.
વાવ પાસે આવતા બસમાંથી ઉતરી ડ્રાઇવર અને કંડકટર સાથે “ટીમબા બસ સ્ટોપ પર બસ કેમ ના ઉભી રાખી” એમ કહી ગાળો બોલી હતી. બાદમાં બસમાંથી ઉતરી પથ્થર વડે બસના પાછળના કાચ પર તોડી નાખ્યા હતા. જે બાદ ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે બસના ડ્રાઇવર ભુપેન્દ્ર ભાઈ પટેલિયાએ બસને 7000 રૂપિયાનું નુકસાન કરનાર અજાણ્યા બે મુસાફરો વિરુદ્ધ સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.