
મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલમાં લેન લાઈન ફોન ભારે પવન અને વરસાદના કારણે બંધ થયા
મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં મહેસાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, ભારે વાવાઝોડાને કારણે મહેસાણા કલેક્ટર ઓફિસ કેમ્પસમાં આવેલા ડિઝાસ્ટર કન્ટ્રોલના લેન લાઈન ફોન એકાએક ઠપ થયા ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લેન લાઈન ઠપ થતા ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી સમસ્યાની કોઈ પણ ફરિયાદ કન્ટ્રોલમાં નોંધાઇ ન હતી.
મહેસાણા જિલ્લામાં ગુરૂવારથી જ 10 તાલુકાઓમાં ડિઝાસ્ટર કચેરી 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે. ત્યારે જૂન માસમાં પ્રથમ સપ્તાહ બાદ વરસાદનું આગમન થવાની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલને એક્ટિવ રહેવા સૂચના આપવામાં આવી હતી, જોકે જૂન માસના ત્રીજા જ દિવસે વરસાદ ખાબકતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલના લેન લાઈન ફોન રણકતા બંધ થઈ જતા માહિતીની આપ લે બંધ થઈ હતી.
જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ પગલે કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં પડતી સમસ્યાની ફરિયાદ લોકો ડિઝાસ્ટરમાં કરતા હોય છે. ત્યારે ડિઝાસ્ટરના બે ફોન ઠપ થઈ જતા કોઈ જ ફરિયાદ સામે આવી નહોતી. ડિઝાસ્ટર કન્ટ્રોલમાં હાલમાં અન્ય લેન લાઈનની સુવિધા પણ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડિઝાસ્ટર કન્ટ્રોલ આ મામલે BSNLને લેન લાઈન ચાલુ કરવા ફરિયાદ પણ કરી છે જોકે હજુ સુધી ઇમરજન્સી કન્ટ્રોલના ફોન રણકતા થયા નથી.