
કડીની બકારાવાલી ચાલીમાં ગંદકી બાબતે પડોશીઓ વચ્ચે થયો ઝઘડો, 5 લોકોને ઇજાઓ પહોંચી
કડીના ભાવપુરા વિસ્તારમાં આવેલા બકરાવાલી ચાલીમાં બંને પડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં ટ્વિંકલ અને તેના માસી ઘરે હાજર હતા. ત્યારે તેમના પડોશમાં રહેતા આશાબેન ટ્વિંકલના ઘર આગળ કેરી ખાઈને ગંદકી કરી રહ્યા હતા અને ટ્વિંકલ તેમજ તેના માસી તે લોકોને સમજાવવા માટે ગયા હતા. સમજાવવાની સાથે જ આશાબેન, દિલીપભાઈ સહિતના લોકો અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને ટ્વિંકલ અને તેની માસી ઉપર હુમલો કરી નાખ્યો હતો.
ઝઘડો થતાં ટ્વિંકલનો ભાઈ અને તેના દાદી આવી ગયા હતા, તે લોકો છોડાવા જતા તેમના ઉપર હુમલો કરી નાખ્યો હતો. ટ્વિંકલ અને તેના માસી અને તેની બાને ઇજાઓ પહોંચતા કડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટ્વિન્કલનું નિવેદન લઈને 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી હતી.
તો સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, કડીના ભાવપુરા વિસ્તારમાં આવેલા બકરાવાલી ચાલીમાં રહેતા આશાબેન અને તેમના પતિ છૂટક શાકભાજીનો વેપાર કરી ગુજરાત ચલાવી રહ્યા છે. આશાબેન ગંદી અને બગડેલી કેરીઓ રોડ ઉપર નાખેલી હતી. જે દરમિયાન તેમના પડોશમાં રહેતા ટ્વિન્કલ, ભારતીબેન હિમાંશુભાઈ સહિતના લોકો અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે અમારા ઘર આગળ કેમ ગંદી કેરીઓ નાખી છે. જેવું કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આશાબેને સમજાવાની કોશિશ કરતાં તેઓ સમજ્યા ન હતા. જે દરમિયાન હિમાંશુ સહિતના લોકો હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને આશાબેનને માર મારવા લાગ્યા હતા.
ઝઘડો થતાં તેમના સાસુ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર માર્યો હતો. જ્યાં બંને લોકોને ઈજાઓ પહોંચતા ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાને લઇ આશાબેનના નિવેદનના આધારે પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી હતી.
કડીની બકરાવાલી ચાલીમાં અડોસ-પડોશમાં રહેતા બંને પરિવારો વચ્ચે ગંદકી કરવાની બાબતમાં માથાકૂટ થઈ હતી. કડી પોલીસે કુલ 8 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી હતી અને ઝઘડામાં 5 લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.