
કડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં હુમલો કરાયો
કડીના સુજાતપુરા રોડ પર આવેલ મિલની ચાલીમાં પરિવાર ઉપર હીચકારો હુમલો થતા પરિવારના સભ્યોમાં ડર પ્રસરી ગયો છે. સતત બે દિવસથી રાત્રિ દરમિયાન પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરાતા પરિવારજનોમાં ફફળાટ મચી જવા પામ્યો છે. ગતરાત્રિએ ગાડી લઈને આવેલા ઈસમોએ મિલની ચાલીમાં રહેતા બે આધેડ ઉપર હીચકારો હુમલો કરી નાખતા બંને આધેડને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કડી શહેરના સુજાતપુરા રોડ પર આવેલ મિલની ચાલીમાં રહેતા ચંદુજી સોમાજી ઠાકોર જેઓ મજૂરીકામ કરી પરિવાર સાથે રહે છે. તેમના મોટાભાઈ બાલસગજીના પુત્ર વિક્રમે આજથી 14 વર્ષ પૂર્વે લક્ષ્મીપુરા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ, જેની અદાવત રાખીને છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા હીચકારો હુમલો કરી દેતા પરિવારમા ભય પસરી ગયો છે. મીલની ચાલીમાં રહેતા ચંદુજી ઠાકોર ગત રાત્રીએ જમી પરવારીને પોતાના ઘરની બહાર ખાટલા ઉપર સુઈ રહ્યા હતા. જે દરમિયાન ઈકો અને સ્વીફ્ટ ગાડી લઈને આવેલા ઈસમોએ ચંદુજી તેમજ તેમના પિતા ઉપર હિંસક હથિયારો વડે હુમલો કરી મકાનની અંદર તોડફોડ કરી હતી તેમજ સાધનોમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા.
કડીના મિલની ચાલીમાં રહેતા ચંદુજી ઠાકોર પોતાના ઘરની બહાર ખાટલામાં સૂઈ રહ્યા હતા. જે દરમિયાન ધનપુરાના દાદુજી, ભરતજી અને મેઘરાજ સહિતના ઇસમો બે ગાડી લઈને આવી પહોંચ્યા હતા અને ચંદુજીને કહેવા લાગ્યા હતા કે “જનક ક્યાં છે તેને બહાર કાઢો તેને અમારી આબરૂ કાઢી છે, આજે તેને મારી જ નાખવાની છે” તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. હાથમાં રહેલ ધોકા, લાકડીઓ, પાઇપો અને તલવાર વડે ચંદુજી ઉપર હુમલો કરી નાખ્યો હતો. ત્યાં તેને છોડાવવા માટે તેના પિતા તેમજ તેના પરિવારજનો આવી પહોંચતા તેમના ઉપર પણ હીચકારો હુમલો કરી નાખ્યો હતો. હુમલો કરીને તેઓએ વિક્રમની પત્ની જનકની પણ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી ન આવતા આધેડના મકાનમાં ઘુસી તોડફોડ કરી હતી અને બહાર પડેલ રીક્ષા, બાઈક સહિતના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. જ્યાં ચાલીના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેઓ જતા જતા કહેતા ગયા હતા કે આજે તો તમે રહી ગયા, જો જનકને નહીં સોંપો તો કડી બજારમાં તમને જાનથી મારી નાખીશું એવું કંઈ ફરાર થઈ ગયા હતા.બંને આધેડોને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચંદુજીને બંને પગે ફેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.