
મહેસાણા રાધનપુર રોડ પર ગેરકાયદે બાંધકામ સ્ટે હોવા છતાં ફરી શરૂ કરાયું
મહેસાણામાં રાધનપુર રોડ પર એરપોર્ટ ઓથોરિટીની એનઓસી વગર બાંધકામ થતું હોઇ જિલ્લા કલેક્ટરની સૂચના પછી નગરપાલિકા દ્વારા બાંધકામ સામે સ્ટે અપાયો હોવા છતાં ફરી બાંધકામ શરૂ કરાયું છે. હેવી વીજલાઇન પાસે પ્લાસ્ટર કામ થતું હોઇ બાંધકામકર્તાને નોટિસ આપવા વીજ કચેરીએ કવાયત હાથ ધરી છે.
રાધનપુર રોડ પર નજીકમાં એરોડ્રામ હોઇ વધુ ઉંચાઇનું બાંધકામ નડતરરૂપ હોવા અંગે કલેક્ટર સુધી રજૂઆત થઇ હતી. જે મામલે નગરપાલિકાએ અહીં બાંધકામ સામે સ્ટે આપેલો છે. પરંતુ અંદરખાને છૂટો દોર હોય એમ થોડા દિવસો પછી અધૂરું બાધકામ ફરી ચાલુ થઇ જતું હોય છે.
મંગળવારે જિલ્લા ડિઝાસ્ટરમાં રાધનપુર રોડ ગેરકાયદે નવા બાંધકામમાં થઇ રહેલ પ્લાસ્ટર કામ નજીક વીજ લાઇન પસાર થતી હોઇ અકસ્માત સર્જાવાની ભીતિ હોઇ કાર્યવાહી કરવા ફરિયાદ થઇ હતી. જે અંગે સિટી-2 કચેરીને જાણ કરાતાં નાયબ ઇજનેર દ્વારા ટીમ મારફતે સ્થળ તપાસ કરાવાઇ હતી.