
મહેસાણા જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે આજે વહેલી સવારે મહેસાણા સહિત તાલુકાઓમાં સવારે પાંચ કલાકના અરસામાં ગાજવીજ સાથે એકાએક પડેલા વરસાદને કારણે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. સવારે 7.30 સુધી ગાજ વીજ સાથે મહેસાણા શહેરમા વરસાદ વર્ષીય રહ્યો. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા
મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ અને ભારે પવનના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષ નમી પડવા તેમજ વીજ વાયર તૂટી પડવાની ઘટનો સામે આવી હતી. તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
જિલ્લાના બેચરાજી તાલુકામાં પડેલા વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે સુરપુરા ચન્દ્રોડા રોડ પર વૃક્ષ ધરસાયી થઈ જતા માર્ગ બંધ થઈ ગયો હતો. તેમજ કેટલાક વિસ્તારોમાં વીજના વાયરો તૂટી પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. બેચરાજિમાં પણ એક વૃક્ષ ધરસાયી થઈ જવાની વિગતો સામે આવી હતી.મહેસાણાના પાલાવાસના પાસે નવા રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ પાણી ભરાઈ રહેતા પાલાવાસના ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા.
આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન ઊંઝા તાલુકામાં 3 મીમી, કડી તાલુકામાં 26 મીમી, ખેરાલુમાં 3 મીમી, જોટાણામાં 19 મીમી, બેચરાજીમાં 23 મીમી, મહેસાણામાં 21 મીમી, વડનગરમાં 0 , વિજાપુરમાં 25મીમી, વિસનગર સતલાસણામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.