વિસનગરના કડા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ગાડીમાં સવાર પતિ-પત્નીને ઇજાઓ
વિસનગરના કડા રોડ પર દર્શન હોટલ નજીક સ્વિફ્ટ ગાડીમાં અમદાવાદથી આવી રહેલા પતિ-પત્નીને બપોરના સમયે સામેથી આવતી એક ગાડીએ રોડની ડીવાઈડર કૂદી રોડની બીજી બાજુ આવી તેમની સ્વિફ્ટ ગાડી સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં સ્વિફ્ટ ગાડી કેનાલમાં પડી ગી હતી. તો ગાડીમાં સવાર પતિ-પત્નીને ઇજાઓ પહોંચતાં નૂતન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અકસ્માત કરનાર ગાડી ચાલક વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ખાતે દિપ્તી સોલંકી અને તેમના પતિ બિપીન સોલંકી જેઓ તેમની સ્વિફ્ટ ગાડી નંબર GJ.24 X.2470 લઈ દીપ્તિબેનના ભાઈ દીપકને મળવા વિસનગર ખાતે આવતા હતા. તે સમયે કડા રોડ પર દર્શન હોટલ આગળ પસાર થતાં સામેથી વિસનગર તરફથી એક ગાડીએ રોડની ડીવાઈડર કૂદી આવી સ્વિફ્ટ ગાડી સાથે અથડાતાં બિપીનભાઈએ બચાવ કરવા જતાં ગાડી કેનાલમાં પડી ગઈ હતી. જ્યાં આજુબાજુથી લોકો આવી કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. જેથી બંને પતિ-પત્નીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ ગાડી નંબર GJ.02 DJ.0534 એ સામેથી ડીવાઈડર કૂદી આવી અથડાતાં ઇજાઓ પહોંચાડતા દિપ્તીબેનએ ગાડી ચાલક વિરૂધ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.