
ગણેશપુરા પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન – ગણિત પ્રદર્શન યોજાયું
ગણેશપુરા પ્રાથમિક શાળા મુકામે ગાગલાસણ સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન – ગણિત પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન ટેકનોલોજી જેમાં કુલ પાંચ વિભાગમાં ૯ શાળાઓની કુલ ૩૯ કૃતિઓના ૭૮ બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં વિભાગ ૧, ૪ અને ૫ માં ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા અને વિભાગ ૨ અને ૩ માં ગણેશપુરા પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જે હવે તાલુકા કક્ષાએ સહભાગી થવા માટે જશે. ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો અને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તમામ વિભાગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.
આ સમગ્ર સફળ આયોજન સી.આર.સી. નરસંગભાઈ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાંથી આવેલા શિક્ષકગણ અને બાળવૈજ્ઞાનિકોનું શાબ્દિક સ્વાગત ગણેશપુરા પ્રાથમિક શાળાના આચાર્યા રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. પ્રદર્શનને શોભાયમાન બનાવવા માટે નેદ્રા પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત અમોલભાઈ ધૂળેકર અને ખડીયાસણ પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત કલ્પેશભાઈ મોઢ જેવોએ સમગ્ર નિર્ણાયક પ્રક્રિયાને યોગ્ય દિશા આપવા માટે નિર્ણાયકની મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશપુરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાપન કાર્યક્રમનું સંચાલન ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષક કપિલ બી. શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.