ઊંઝામાં વાતચીત કરવા મુદ્દે યુવાન પર જીવલેણ હુમલો : ચાર સામે નોંધાઈ ફરિયાદ
ઊંઝા હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીક ઈંડાની લારી પર નાસ્તો કરવા બેઠેલ યુવાનને યુવતી સાથે વાત કરવા મુદ્દે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ઈસમોએ યુવાન પર છરા વડે હુમલો કરી હાથમાંના ધોકાઓ વડે મારી ગડદાપાટુંનો માર મારતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. માહિતી અનુસાર ઊંઝા ડબગરની પિંપળ ખાતે રહેતા જીજ્ઞેશ રોહિતભાઈ વાંસ ફોડિયા તેના મિત્ર અનિલજી પ્રભાતજી ઠાકોર સાથે રાત્રિના હાઇવે પર ફાયરબ્રિગેડની ઓફીસ નજીક ઈંડાની લારી પર જમવા ગયા હતા. જ્યાં અનીલને સિદ્ધરાજ બ્રાહ્મણ આવી કહેલ કે, કેમ યુવતી સાથે વાતચીત કરો છો તેમ કહી ગાળો બોલી હતી.
જેથી જીજ્ઞેશ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ છરા વડે હુમલો કરી હાથમાંના ધોકા વડે માર્યો હતો. તેમજ અનિલ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જીજ્ઞેશના નિવેદને આધારે સિદ્ધરાજ મનુભાઈ બ્રાહ્મણ ગૌસ્વામી રહે.મહેસાણા સાંઈ બાબા મંદિર પાસે, શ્રીજી શરણ ફ્લેટ અને બીજા ત્રણેક ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.