
ઊંઝા તાલુકાના ઉપેરા જાસ્કા રોડ ઉપર છોટા હાથી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
ઉંઝા નજીક આવેલ ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ કાલે દાસજ ગોગા મહારાજનાં દર્શનેથી પરત ફરી રહ્યો હતો. તે સમયે બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જેમાં પિતા, પુત્ર અને માતાનું મોત થતાં હાઈવે લોહિયાળ બન્યો હતો. જ્યારે ૧૭ વર્ષનો પુત્ર નોંધારો બન્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
ખેરાલુ તાલુકાના ખેરપુર ગામે રહેતા ૩૫ વર્ષીય બળવંતજી શંભુજી ઠાકોર પાંચમ હોવાથી અને નવરાત્રિ ચાલતી હોવાથી પોતાની પત્ની હંસાબેન અને દીકરો કિશન સાથે બાઈક પર બેસીને દાસજ ગોગા મહારાજનાં દર્શને ગયાં હતાં. જ્યાં દર્શન કરીને પરત આવતા સમયે ઉપેરા અને ઝાસ્કા વચ્ચે છોટા હાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં રસ્તામાં એકનું મોત અને બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળાએ ટોળા એકઠા થયા હતા. જ્યાં રોડની સાઈડમાં બાઈક અને છોટા હાથી જોવા મળ્યાં હતાં. તેમજ પરિવારના ત્રણ સભ્યો લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમનું સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે એક વ્યક્તિ રસ્તામાં જ છેલ્લો શ્વાસ લીધો હતો.