ઊંઝા ગંજબજારના શેષ પ્રકરણનો ખેડૂતો અને વેપારીઓનો ભારે વિરોધ

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યુઝ ઊંઝા : ઊંઝા ગંજબજારમાં શેષ પ્રકરણમાં અત્યાર સુધીના ઘટનાક્રમને અંતે સૌથી મોટો વળાંક સામે આવ્યો છે. અગાઉ આંતરિક રજૂઆતો અને અંદરની વાતોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા બાદ હવે ખેડૂતો અને વેપારીઓ ખુલીને બહાર આવી સ્પષ્ટ વિરોધ નોંધાવી દેતાં ખળભળાટ મચી ગયો છે. ગંજબજાર અને પાર્ટીની આંતરિક બાબતો વચ્ચે મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. વેપારીઓના પ્રતિક ઉપવાસ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ વિરોધમાં પહોંચ્યા હતા. આ ગતિવિધિમાં નિયામકના આદેશને પગલે મહેસાણા રજીસ્ટ્રારે તપાસ શરૂ કરી છે. આ તમામ બાબતો જોતાં આગામી દિવસોમાં ચોંકાવનારી ઘટનાઓ આકાર પામી શકે છે. મહેસાણા જીલ્લાના ઊંઝા ગંજબજારમાં ખેડૂતોના જૂથે માર્કેટયાર્ડ બચાવોના નારાં સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ તરફ કેટલાક ડીરેક્ટરો અને વેપારીઓએ પ્રતિક ઉપવાસની જાહેરાત કરતાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ બેનરો સાથે ૧૫ કરોડના કથિત કૌભાંડની તપાસની માંગ કરી હતી.

ગંજબજારના સત્તાધિશો એવા ચેરમેન અને સેક્રેટરીને બજાર સમિતિની તપાસ માટે નિમાયેલી કમિટીએ ક્લિનચીટ આપી હતી. જ્યારે બીજી તરફ ગંજબજારનો મુદ્દો વાયુવેગે પહાડી સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ આમ આદમી પાર્ટી પણ વિરોધી જૂથના સમર્થનમાં જોડાઇ હતી. સરકારી તપાસ અને રાજકીય ગતિવિધિઓ જોતાં અનેક રાજકીય દિગ્ગજોની દિશા મામલે મોટો વળાંક આવી શકે છે.

ઊંઝા ગંજબજારમાં ચૂંટણી બાદ સત્તા પરિવર્તનમાં પેનલમાં આવેલો ફેરફાર સૌથી વધુ મહત્વનો બન્યો છે. અગાઉ અને હાલના સત્તાધિશો ભાજપી વિચારધારા સાથે છે. પરંતુ સત્તાની સાંઠમારી વચ્ચે ગંજબજારના વહીવટનો મુદ્દો આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવા માટે અત્યારે સૌથી વધુ ગરમ બની ગયો છે. પ્રાથમિક બાબતો અને રજૂઆતો આધારે સરકાર દ્રારા શરૂ થયેલી તપાસ ભાજપી વિચારધારાના બંને જૂથ માટે ભવિષ્યની સ્થિતિ નક્કી કરી શકે છે. રજીસ્ટ્રારની તપાસમાં જો ચેરમેન અને સેક્રેટરને ક્લિનચીટ મળશે તો બંને વધુ મજબૂત થશે. જ્યારે તપાસમાં ગંભીર પ્રકારની ગેરરીતિ મળી આવશે તો ગંજબજારમાં સત્તાધિશોનું રાજકીય ભવિષ્ય સંકટમાં મુકાઇ શકે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.