
વિજાપુર, માણસા અને મહેસાણા તા.નાં 33 ગામોનો કુકરવાડા તાલુકો બનાવવા કવાયત
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકાનો દરજ્જો આપવા લાંબા સમયથી ચાલતી માગણી અંગે વિસનગર પ્રાંતે અભિપ્રાયો સાથે તૈયાર કરેલી દરખાસ્ત રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર કચેરી સુધી પહોંચી છે. જેમાં વિજાપુર તાલુકાના 21, માણસાના 9 અને મહેસાણાના 3 મળી 33 ગામોને નવા કુકરવાડા તાલુકામાં સમાવવા લોકલાગણી હોઇ આગળની કાર્યવાહી કરવા સુચવાયું છે. ત્યારે હવે સેટલમેન્ટ કમિશ્નરરાહે પ્રક્રિયા થઇ સરકાર સુધી કુકરવાડા તાલુકો બનાવવા કવાયત ચાલશે.
કુકરવાડાને તાલુકો બનાવવા સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ભલામણ, 33 ગામોના તમામ સરપંચના અભિપ્રાય, ભલામણપત્ર, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખનો ભલામણપત્ર, ગામોથી કુકરવાડા વચ્ચેનું અંતર દર્શાવતી સૂચિ, નકશાની નકલ, 26 એસોસીએશન, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, મંડળોના ભણામણ પત્રો સાથે દરખાસ્ત સેટલમેન્ટ કમિશ્નર કચેરીએ પહોંચી છે.
જેમાં વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર 17 કિમી, માણસાથી 16 તેમજ મહેસાણાનું 35 કિમી અંતર દર્શાવતી વિગતો તેમજ કુકરવાડામાં સમાવિષ્ટ થનાર ગામોનું કુકરવાડા સાથેનું અંતર અને હાલના તાલુકા મથક સાથેનું અંતર પણ દરખાસ્ત સાથે સામેલ છે.
કુકરવાડા તાલુકામાં સૂચિત 33 ગામોના સરપંચોના હકારાત્મક અભિપ્રાયો તેમજ ગામોના જન પ્રતિનિધિઓની માંગણી મુજબ કુકરવાડાને તાલુકો બનાવાય તો વ્યાપારિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રોજગાર, ખેતી, જમીન સંપાદન કે નોંધણી વિષયક મુશ્કેલીઓનું નિરાકરણ આવે તેવી રજૂઆત છે. કુકરવાડા તાલુકો બનાવવા નિયમોનુસારની ઘટતી કાર્યવાહી કરવાની દરખાસ્ત સાથે સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફ્તર નિયામક ગાંધીનગર કચેરીએ વિસનગર પ્રાન્તની દરખાસ્ત મહેસાણા નિવાસી અધિક વિજાપુર, માણસા અને… કલેકટર આઇ.આર. વાળા મારફતે મોકલી આપી છે. આ એસોસીએશન, મંડળો, ટ્રસ્ટોએ કુકરવાડા તાલુકની ભલામણ કરી કુકરવાડા કેમિસ્ટ એસો., કુકરવાડા કાપડ મહાજન, કેશવ કેળવણી મંડળ, વાસણ બજાર એસો., ટીમ્બર મર્ચન્ટ એસો., સ્ટુડિયો એસો., ફુટવેર એસો., હાર્ડવેર એસો., કુકરવાડા ગોળ, કેટલફૂડ એસો., ગ્રેઇન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસો., ચોકસી એસો., જીઆઇડીસી એસ્ટેટ એસો., હોટલ એન્ડ પાર્લર એસો., ચોક્સી કારીગર એસો., કુકરવાડા દૂધ મંડળી, કુકરવાડા ગૃપ કો.ઓ. મલ્ટીપર્પજ સોસાયટી, કુકરવાડા મહાજન ધર્માદા ફંડ સંસ્થા, કુકરવાડા પાટીદાર જીવન સહાય ટ્રસ્ટ, વૈષ્ણવ જનસેવા સમિતિ, પ્રગતિપથ ક્રેડીટ એન્ડ કન્ઝુમર્સ સોસાયટી ઉબલખ, ટીંટોદણ મોતીપુરા કો.ઓ. ક્રેડીટ સોસાયટી, પંચવટી કો.ઓ. ક્રેડીટ સોસાયટી કુકરવાડા, શિવશક્તિ ક્રેડીટ સોસાયટી વડાસણ, કુકરવાડા નાગરિક બેંક, એકતા કો.ઓ. ક્રેડીટ સોસાયટી સોખડા વગેરે સંસ્થાઓએ કુકરવાડો તાલુકો જાહેર કરવા ભલામણ પત્રો લખ્યાં છે.