
ઊંઝાના ભાટવાડા ખાતે આવેલા શીતળા માના મંદિરે ભક્તો ઉમટશે
ઊંઝા ભાટવાડા ખાતે આશરે 400 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં આજે શીતળા સાતમને લઈને શ્રદ્ધાળુઓ દર્શને આવશે.ઊંઝા વિસ્તારમાં આજે શીતળા સાતમને લઈને લોકો ઘરેઘર શીતળા સાતમનું વ્રત કરશે. ધાર્મિક માન્યતા અનુસાર આજે આખો દિવસ ઠંડો ખોરાક ખાવો પડે છે. જે પણ વ્યક્તિ આ વ્રત કરે છે તેને ઓરી-અછબડા જેવી ઘાતક બીમારી નથી થતી. આ વ્રત દેવી શીતળાના નિમિત્તે રાખવામાં આવે છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધર્મમાં દરેક વ્રત-તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાંથી જ એક છે શીતળા સાતમનું વ્રત.
શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી. આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે. શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે.