ઉઝા તાલુકાના ડાભી ગામે થી બાલીસણા તરફ પાકો રોડ બનાવવા વારંવાર રજુઆત કરવા છતાં પરીણામ શૂન્ય
૧૦૦ મકાનોના રહિશો અને ૧૫૦ થી વધુ બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબુર
નિકાલ ન આવે ત્યાં સુધી ધારાસભ્યની ઓફીસે બેસવાની ચિમકી
ઉઝા તાલુકાના ડાભી ગામે ડાભી થી બાલીસણા તરફ પાકો રોડ બનાવવા બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નકકર પરીણામ આવેલ નથી. ચોમાસામાં આ રસ્તા પર ચાલવું મુશ્કેલી નહિ પરંતુ નામુમકીન છે. તેમ છતાં રહિશો તો ઠીક અભ્યાસ માટે જતા બાળકો આ રસ્તાનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે. જોકે આ રસ્તા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉઝા તાલુકાના ડાભી ગામે ડાભી થી બાલીસણા વચ્ચેનો માર્ગ જે હાલમાં કાચો છે. જે અંતર્ગત ઉપરોક્ત રસ્તા ઉપર ચોમાસામાં વરસાદથી ખૂબ જ કાદવ કીચડ થઈ જાય છે. ત્યાં આશરે ૧૦૦ મકાનો માં વસતા લોકોને બહાર ગામમાં આવવું હોય તો ટ્રેક્ટર દ્વારા આવવું પડે છે.
ઉપરોક્ત જગ્યા એ પંચાયત દ્વારા માટીકામ અને મેટલ કામ પણ કરવામાં આવેલ હતું. પરંતુ વરસાદના કારણે કરવામાં આવેલ કામની જગ્યાએ કીચડ થઇ જાય છે. જેથી કરેલું કામ સફળ રેહતું નથી. વધુમાં ઉપરોક્ત જગ્યાએ જો કોઈ સગર્ભા બહેન હોય તો તેમને તે વિસ્તારથી બહાર કાઢવા માટે પણ ટ્રેક્ટર થી જ આવવું પડે તેમ છે ત્યાં એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. ચોમાસામાં વરસાદનાં કારણે અભ્યાસ કરતા બાળકોને પણ શાળા માં જવા અને આવવા માં તકલીફ પડે છે. ઉપરોક્ત સ્થળે જો પાકો રસ્તો થઈ જાય તો ત્યાં વસતા લોકોને આશીર્વાદરૂપ થાય તેમ છે. ઉપરોક્ત જગ્યાએ પાકો રોડ બનાવવામાં આવે તેવી રહિશો અને વિધાર્થીઓની લાગણી અને માગણી છે.
આ બાબતે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, આ રસ્તો ડાભી થી બાલીસણા જવા માટે ૬ કિ. મી. નું અંતર છે. પાટણ થી બાલીસણા જવા માટેનો ત્રણ કિ. મી. નો રોડ બની ગયો છે. ઘણી બધી રજુઆતો કરવા છતાં કોઈ તંત્ર સાંભળતું નથી. ધારાસભ્યની ઓફીસે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી બેસવા તૈયાર છે. આ બાબતે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, ધારાસભ્ય અને આર. એન. બી ની ઓફિસે રજુઆત કરી છે. તંત્ર કોઈ જવાબદારીથી સાભળતુ નથી. આ રસ્તા ઉપર ૧૦૦ થી વધુ મકાનો આવેલા છે. ૧૫૦ થી વધુ બાળકો કાયમ ચાલતા આવે છે. તેના માટે સરકાર કંઈ કરે તો સારું.
એક વર્ષ થવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં: આ બાબતે ડાભી ગ્રામ પંચાયત કચેરી દ્વારા ડાભી થી બાલીસણા તરફ પાકો રસ્તો બનાવવા માટે તા.૧૫ મે ૨૦૨૩ ના રોજ તાલુકા પંચાયત કચેરી ઉઝા ખાતે તે વખતના તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન પટેલ ઉપકાર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરતું આજદિન સુધી કોઈ તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી.