
મહેસાણામાં વાદળોથી તાપમાન 8.5 ડિગ્રી ઘટતાં કડકડતી ઠંડી અનુભવાઇ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રફલાઇન અને સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાતના આકાશમાં દિવસભર કાળાડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. બુધવાર સાંજે 6 વાગ્યા સુધીમાં મોડાસામાં 2 મીમી અને હિંમતનગરમાં 1 મીમી તેમજ મહેસાણા સહિત ઘણાખરા સ્થળોએ ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન લઘુત્તમ તાપમાન પોણા ત્રણ ડિગ્રી ઉંચકાયું હતું.
જ્યારે મહત્તમ તાપમાનમાં એકાએક 8.5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. દિવસ-રાતના તાપમાનમાં ભારે ઉથલપાથલ થવાના સાથે દિવસભર પવન ઓછામાં ઓછો 3 કિમી અને વધુમાં વધુ 20 કિમીની ઝડપે ફૂકાતાં ઠુંઠવાતી ઠંડીનો અનુભવ થયો હતો.