
કડીના વામજ ગામના ખરાબામાંથી વિદેશી દારૂની બોટલો મળી
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન માહિતીના આધારે વામજ ગામેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો. જ્યાં મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ ઉપરથી ઈસમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મીઓ ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન કરણનગર રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, અશ્વિને વામજ ગામના ખરાબામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જ્યાં પોલીસે માહિતીની ખરાઈ કરીને અલગ અલગ ટીમો બનાવીને સ્થળવાળી જગ્યા ઉપર પહોંચી હતી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.