બે અલગ અલગ ચેક રિટર્ન કેસના બન્ને આરોપીને બે વર્ષની સજા

મહેસાણા
મહેસાણા

વિસનગરની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇસ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક રીર્ટનના ચાલી રહેલ બે અલગ અલગ કેસો ચાલી જતાં કોર્ટે આ કેસના બંન્ને આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તેમજ 30 દિવસમાં ચેકના નાણાં ભરપાઇ કરવાનો હૂકમ કર્યો છે.

શહેરના કડા રોડ ઉપર આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતા પટેલ સપ્તેશ હર્ષદભાઇએ તેમના સમાજના અને કડા રોડ ઉપર પાર્લર ચલાવતા પટેલ આશિષકુમાર કાન્તિલાલને ધંધાના કામ સારુ નાણાંની જરુરિયાત હોવાથી જાન્યુઆરી 2022માં આઠ માસના વાયદે 7 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જ્યાં મુદત પુરી થતાં સપ્તેશભાઇએ નાણાંની ઉઘરાણી કરતાં આશિષભાઇએ સાત લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે ચેક બેન્કમાં ભરતાં અપુરતા બેલેન્સને કારણે રીટર્ન થયો હતો. જેથી સપ્તેશભાઇએ વિસનગર કોર્ટમાં નેગોસીએબલ ઇસ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ફરિયાદી તરફે એડવોકેટ એન.જે.ભાવસારની દલીલો ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એલ.એમ.રાઠોડે આરોપી પટેલ આશિષભાઇ કાન્તિલાલને બે વર્ષની સજા અને વળતર પેટે સાત લાખ રૂપિયા 30 દિવસમાં ભરપાઇ કરવાનો હૂકમ કર્યો છે.

જ્યારે તાલુકાના કાંસા ગામમાં રહેતા પટેલ પ્રવિણભાઇ ડાહ્યાલાલે તેમના મિત્ર અને કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ સોપાન બંગ્લોઝમાં રહેતા પટેલ કનુભાઇ ભગવાનભાઇને ધંધાર્થે પૈસાની જરૂરિયાત હોવાથી આઠ માસ માટે 5.70 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેમાં મુદત પુરી થતાં પ્રવિણભાઇએ નાણાંની ઉઘરાણી કરતાં કનુભાઇએ 5.70 લાખનો ચેક આપ્યો હતો. જે અપુરતા બેલેન્સને કારણે રીર્ટન થતાં પ્રવિણભાઇએ વિસનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ફરિયાદી તરફે વકીલ સી.એ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પટેલ કનુભાઇ ભગવાનભાઇને ચેક રીર્ટન કેસમાં તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા અને વળતર પેટે 5.70 લાખ 30 દિવસમાં ભરપાઇ કરવાનો હૂકમ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.