
મંદિરમાં દર્શન કરવા ગયેલા ભાઈ પર મોટાભાઈએ દાંતરડા વડે હુમલો કર્યો
ઊંઝાના કંથરાવી ગામના સુરેશભાઈ ઊંઝામાં હીરા ઘસવાનું કામ કરે છે. જે ગતરોજ કામ પૂરું કરીને ઘરે જવા નીકળ્યા હતા. તેઓ ચામુંડા સોસાયટીમાં આવેલ સિકોતર માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી દર્શન કરવા પણ ગયા હતા. એ દરમિયાન તેમના મોટાભાઈ હરગોવનભાઈ મંદિરે આવી ગયા હતા અને અંગત અદાવતને લઈ સુરેશભાઈને ‘મંદિરે દર્શન કરવા આવવું નહીં’ કહીને અપશબ્દો બોલ્યા હતા. આ સમયે હરગોવનભાઈનો દીકરો પણ આવી ગયો હતો. બંને જણા અપશબ્દો બોલતા હતા અને સામસામે માથાકૂટ થઈ હતી. ઈજાગ્રસ્ત સુરેશભાઈને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમજ ઉનાવા પોલીસે હરગોવનભાઈ અને શૈલેષભાઇ વિરુદ્ધ આઈ.પી.સી.ની 323, 324, 337, 504, 114 અને 135 કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.