કડીમાં ફરી એક 18 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત

મહેસાણા
મહેસાણા

દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. યુવકો તેમજ નાનાં બાળકોને એટેક આવવાની સમસ્યાઓમાં વધારો થવા પામ્યો છે. થોડાક દિવસો પહેલાં જ કડી તાલુકાના કુંડાળ ગામના અને કરણનગર રોડ ઉપર રહેતા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયું હતું. જ્યાં કડીમાં ફરી એક 18 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. એકના એક પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં આભ ફાટી ગયું હતું.

અશોકભાઈ પરિવાર સાથે લગ્નપ્રસંગમાં અમદાવાદ ખાતે ગયા હતા અને તેમનો દીકરો સંકેત કડી ઘરે જ રોકાયો હતો. મેઘના કેમ્પસમાં આવેલા મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. મંગળવારે સવારે તે કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયો હતો અને પેપર આપીને સાંજના સમયે ઘરે પરત ગયો હતો. ઘરે આવીને મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા ઉપર બેઠો હતો અને એકાએક હૃદય હુમલાથી તેનું કરુણ મોત થયું હતું.

સંકેતના પિતા અશોકભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે અમદાવાદ હતા અને તેનો ફોન આવ્યો હતો અને તે ઘરે હતો. જમવાનું અમને પૂછ્યું હતું, પરંતુ અમે કહ્યું હતું કે વહેલુંમોડું થશે તું જમી લેજે. ત્યાર બાદ થોડીવાર રહીને સોસાયટીમાં રહેતો તેનો મિત્ર તેને બોલાવવા આવ્યો હતો અને તે મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા બાંકડા ઉપર બેઠો હતો. બંને મિત્રો વાતચીત કરતા હતા અને એકાએક સંકેતનું માથું તેના મિત્રના ખભા ઉપર પડી ગયું હતું. તેનો મિત્ર ગભરાઈ ગયો હતો અને આજુબાજુના રહીશોને બોલાવ્યા હતા. જ્યાં સ્થાનિકો અને આડોશપડોશમાં રહેતા રહીશો તાત્કાલિક જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી, પરંતુ યુવકનું હૃદય બંધ થઈ જતાં મોતને ભેટ્યો હતો. પરિવારમાં એકના એક પુત્રનું હાર્ટ-એટેકથી મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.