
ઊંઝાના બાલાજી વે બ્રીજ નજીક અજાણ્યા વાહને મજૂરને અડફેટે લીધો, ઘટના સ્થળે જ મોત
ઊંઝા-મહેસાણા રોડ પર આવેલા બાલાજી વે બ્રીજ નજીક રાત્રી દરમિયાન રોડ પર ચાલીને ઘરે જતા મજૂરને અજાણ્યા કોઈ વાહને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર મામલે મૃતકના ભાઈએ ઊંઝા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, ત્યારે એક જ દિવસમાં માર્ગ અકસ્માતમાં બીજી ઘટના સામે આવી જેમાં એક મજૂરનું મોત નીપજ્યું છે.
આ ઘટનાની જાણ પરિવાર ને થતા મૃતકના ભાઈઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ સ્થળ પર રહેલા લોકોના જણાવ્યાં પ્રમાણે અકસ્માત સર્જી વાહન ચાલક મહેસાણા બાજુ ભાગી ગયો હતો. ઘટનાની જાણ ઊંઝા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત માં ઇજા પામેલા મજૂરને હોસ્પિટલમાં લઈ જતા ડોકટર મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના પગલે મૃતકના ભાઈ રાવળ રવિભાઈ એ ઊંઝા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.