
રાજ્યમાં 170 વોલ્વો બસ કાર્યરત છતાં ઉત્તર ગુજરાતમાં એક પણ વોલ્વો બસની ફાળવણી નહીં
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ નિગમ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ટેન્ડર કરી કોન્ટ્રાક્ટર પદ્ધતિથી 170 વોલ્વો એસટી બસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સમાવિષ્ટ મહેસાણા ડિવિઝનમાં હાલમાં 760 એસટી બસો આવેલ છે. જેના દ્વારા ઉદ્યોગ રોજગાર, શિક્ષણ, અને પર્યટન જેવા અનેક હેતુથી રોજના 50,000 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
આમ ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોવા છતાં ઉત્તર ગુજરાતની ફાળે એક પણ વોલ્વો બસની ફાળવણી કરાઈ નથી. મહત્વનું છે કે મળતી માહિતી મુજબ અમદાવાદ ડિવિઝનની એક વોલ્વો બસ ફુલ રિઝર્વેશન સાથે ધાનેરા અમદાવાદ માટે રોજની 11 ટ્રીપ કરે છે. ત્યારે ફૂલ રિઝર્વેશન કરતી આ એક બસ ઉપરાંત જો ઉત્તર ગુજરાતને વધુ વોલ્વો બસની ફાળવણી કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના મુસાફરોને પણ વોલ્વો બસમાં મુસાફરી કરવાની સેવાનો પૂરતો લાભ મળી શકે છે.