રાજસ્થાનના બાડમેર પાસે અકસ્માત, ગાડીના કાચ અને દરવાજા તોડી મૃતદેહો બહાર કઢાયા, ત્રણ યુવકોનાં મોત

મહેસાણા
મહેસાણા

રાજસ્થાનના બાડમેર નેશનલ હાઇવે નંબર 68 પર સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં અર્ટિગા ગાડીમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ત્રણેય મૃતક મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મલાલપુરના હોવાનું સામે આવ્યું હતું. તેમજ ત્રણેય કૌટુંબિક ભાઈઓ હતા. જેમાં એક યુવકના તો ગયા મહિને જ લગ્ન થયાં હતાં. તેમજ બે પરિવારોએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. જેથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણ-ત્રણ યુવકોનાં મોત થતાં ગામ હીબકે ચડ્યું છે.

યુવકો ગાડી અંદર ફસાઈ ગયા.

આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી GJ02DM5 118 નંબરની અર્ટિગા ગાડીમાં બેસી રણુજા જવા નીકળ્યા હતા. જ્યાં બાડમેર નેશનલ હાઇવે નંબર 68 પર ગાડી જતી હતી એ દરમિયાન લવકુશ વિદ્યાલય પાસે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સાથે તેઓની અર્ટિગા ગાડી જોરદાર અથડાઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. જેમાં બન્ને ગાડીઓના ફુરચા બોલી ગયા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બે ગાડીઓમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં અર્ટિગા ગાડીમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે સાંચોર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્કોર્પિયો ગાડીમાં સવાર 8 લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બન્ને ગાડીઓમાં ભારે નુકસાન

અકસ્માત સર્જાયા બાદ રાજસ્થાનના બાડમેરના સ્થાનિક લોકો ત્યાં આવી જતા બંને ગાડીઓમાં રહેલા ઘાયલોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અર્ટિગા ગાડીના આગળનો ભાગનો ફુરચો બોલી જતા ચાલક ફસાઈ ગયો હતો. તેમજ ગાડીમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ લોખંડની કોસો અને અન્ય સાધનો વડે દરવાજા તોડી, કાચ તોડી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જે બાદ પીકઅપ ડાલા મારફતે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.