
નાગલપુર હાઇવે પર 12 સોસાયટીઓના રસ્તા વચ્ચે ખોદેલી કુંડી અઠવાડિયાથી ખુલ્લી પડી છે
મહેસાણા નાગલપુર હાઇવે પર અશોકા હોટલ નજીક સર્વિસ રોડને સ્પર્શતી 12 સોસાયટીઓના પ્રવેશદ્વાર આગળ જ છેલ્લા અઠવાડિયાથી તંત્રએ વરસાદી પાણી નિકાલના જોડાણ માટે ખોલેલી કુંડી જૈસે થે હાલતમાં બેરીકેટ કરીને મૂકી રાખતાં આવન જાવનમાં લોકોને ભારે તકલીફ પડી રહી છે. મુખ્ય સર્વિસ રોડ સાંકડો બની જતાં આ સોસાયટીઓના રહીશોને વાહન લઇને પસાર થવામાં મુશ્કેલી પડતી હોઇ સત્વરે કુંડી બંધ કરી રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે.
નાગલપુર હાઇવે સ્થિત પેરેડાઇઝ સોસાયટી, ઓમ શુભમ બંગ્લોઝ, ત્રિભુવન બંગ્લોઝ, ગંગાનગર, કલ્પતરૂ, પાર્થ, શ્રી રામ, વર્ધમાનનગર, તિરૂપતિ ટાઉનશીપ, આસોપાલવ બંગ્લોઝ, જયશ્રીરામ સોસાયટી અને મંગલેશ્વર સોસાયટીના મુખ્ય રસ્તા આગળ જ વરસાદી પાણી નિકાલની લાઇનના આંતરિક જોડાણ માટે કુંડી ખોલીને અઠવાડિયાથી બેરીકેટ કરેલી છે. રહીશોએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી કામ બંધ છે. લોકોને આવન જાવનમાં તકલીફ પડે છે. ગાડી વળાંક લઇ શકતી નથી. વળી સોસાયટીના રસ્તાની એક સાઇડ પાણી નિકાલનો ખાડો છે.જેમાં પાણી ભરાઇ રહેતું હોઇ સાઇડનો રસ્તો સમતલ કરી કુંડી બંધ કરી રસ્તો ચાલુ કરવા માંગ છે.